ઉનાળાનું અમૃત ફળ : કેરી |Nectar fruit of summer: Mango

 

ઉનાળાનું અમૃત ફળ : કેરી |Nectar fruit of summer: Mango

કેરી ભારત, પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું  રાષ્ટ્રીય ફળ છે.જ્યારે આંબો એ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે.પરંતુ એક ભારતીય તરીકે આપણને ગર્વ થાય એવી બાબત એ છે કે વિશ્વમાં કેરી ઉત્પાદનમાં પ્રથમ નંબર ભારતનો આવે છે.કેરીના કુલ જથ્થાનો ૪૦% હિસ્સો તો ફક્ત ભારતમાં તૈયાર થાય છે.ભારતમાં પાકતી કેરીની જાતમાં પણ ખાસ્સી  વિવિધતા જોવા મળે છે: કેસર,હાફુસ,લંગડો,રાજાપૂરી,તોતાપૂરી,દશેરી,પાયરી,નીલમ,

આમ્રપાલી,વનરાજ,નિલ્ફાન્સો,જમાદાર, મલ્લિકા,રત્નાગિરી,સિંધુ,બદામ...જેવી અંદાજે ૫૦ અલગ અલગ જાતની કેરી પાકે છે.ભારતમાં ઉત્તરપ્રદેશ,તામિલનાડુ,પ.બંગાળ,મહારાષ્ટ્ અને ગુજરાતમાં કેરીનો પાક વધુ લેવાય છે.તેમાંય વળી સોરઠની ભૂમિમાં જન્મેલી, પાંગરેલી અને ઉછરેલી મઘમઘતી સોડમદાર કેસર કેરી તો વિશ્વને ગુજરાતના હૃદયની મધુરતાનો આસ્વાદ કરાવે છે.સ્વાદના શોખીનોને દાઢે વળગી જતી વલસાડી હાફૂસ કેરીની મધુરતા માણવી એતો એક લ્હાવો છે.ગૃહિણીઓ ભલે કેરી ખરીદવા જાય ત્યારે ભાવની બાબતમાં કચકચ કરતી હોય પરંતુ વિદેશોમાં આપણી કેરી મોં માગ્યા દામે વેચાય છે.

ઉનાળાની બળબળતી બપોરમાં કેરીનો ઠંડો રસ જ્યારે પેટમાં જાય છે ત્યારે શરીરના રોમ રોમમાં ઠંડકનો અહેસાસ થાય છે.પેટ ભરીને બપોરની નિંદર લેવાની મજાતો જીવતે જીવ સ્વર્ગનો અનુભવ કરાવે છે.એ જમાનો ગયો જ્યારે લોકો લગ્ન પ્રસંગો અને મહેમાનગતિ માણવા જતા ત્યારે વાટકા ભરી ભરીને કેરીનો રસ ગટગટાવી જતા.હવે તો કેરીને પચાવી શકે તેવી જઠરાગ્નિ જ ક્યાં છે ? કેલેરી કોન્સયસ લોકોને એક વાટકી રસ પીતાં જ ઓડકાર આવી જાય છે.એ જ રીતે જુના જમાનામાં બાળકો આંબા પર ચડીને કે નીચે ઉભા રહીને પથ્થર મારીને કેરીઓ પાડવાનું પરાક્રમ કરતા.કેરીઓનું રક્ષણ કરવા આંબાવાડીમાં ચોકીદાર રાખવો પડતો.શુ આજના બાળકો આવું સાહસ કરી શકે ખરા ?

આરોગ્ય શાસ્ત્રની રીતે કેરી એ સ્વાસ્થ્યવર્ધક અને ગુણકારી ફળ છે.તે કામેચ્છા વધારે છે.તેથી જ લોકો મજાકમાં તેને ઝાડ ઉપર પાકતી ‘વાયગ્રા’ કહે છે.કેરી ખાવાથી લીવર સારું થાય છે, પાચનશક્તિ વધે છે અને બ્લડપ્રેશર કાબુમાં રહે છે.તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનિમિયાનાં દર્દીઓ માટે કેરીનું સેવન આશીર્વાદ સમાન છે.કેરીમાં વિટામિન-ઇ નું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે.જો કે તેમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધારે હોય છે,તેથી કેરી ખાવાથી વજનમાં વધારો થાય છે.એટલે વેઇટ મેઇન્ટેઇન કરવામાં માનતા ડાયટ પસંદ લોકો કેરીથી દુર રહે છે.

ગુજરાતીમાં કહેવત છે કે 'ઉતાવળે આંબા ના પાકે' પરંતુ કેરીપ્રિય પ્રજા ગરમી શરૂ થતાં જ કેરીઓ ખાવા બેબાકળી બની જાય છે.જેના લીધે ઝટ નફો કમાવાની લાલચમાં કેટલાક ખેડૂતો અને વેપારીઓ કાર્બાઈડ નામનું પ્રતિબંધિત રસાયણ વાપરીને જલ્દી જલ્દી કેરીઓને પકવી દે છે અને એપ્રિલ મહિનામાં તો બજારમાં કેરીઓનો વિશાળ જથ્થો ઠલવાય જાય છે.કાર્બનથી પરાણે પકવેલી કેરીઓ દેખાવમાં પાકેલી લાગે છે, પણ સ્વાદમાં એકદમ ફિક્કી હોય છે.વળી આવી કેરી ખાવાથી કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે.એટલે કેરી ખાવાની ઉતાવળ કરવા કરતાં થોડીક રાહ જોવી એ સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે સારું છે.એટલે જ તો કહેવાય છે 'ધીરજ ના ફળ મીઠાં.'


Post a Comment

0 Comments